સુરતના ડીંડોલી વિસ્તારમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો
શહેરના ડીંડોલી વિસ્તારમાં એક હચમચાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રસ્તો ક્રોસ કરી રહેલી બે મહિલાઓને એક પૂરપાટ ઝડપે આવતા મોપેડ ચાલકે જાેરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ચાલક ભાગી છૂટ્યો હતો, પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મીડિયા સુત્રો થકી પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા ૫૨ વર્ષીય વંદનાબેન મરાઠે શ્રમજીવી હતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ગત રોજ તેમની બહેન તેમના ઘરે જમવા માટે આવી હતી. ખુશીનો માહોલ હતો અને જમ્યા બાદ વંદનાબેન પોતાની બહેનને વળાવવા માટે ઘરની બહાર રોડ સુધી આવ્યા હતા. બંને બહેનો જ્યારે સાવચેતીપૂર્વક રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે જ યમરાજ બનીને આવેલા એક મોપેડ ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બંનેને અડફેટે લીધા હતા.
આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે વંદનાબેન રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું, જ્યારે બીજી મહિલાને ઈજાઓ પહોંચી હતી. વંદનાબેન પોતે જ ઘરનું આર્થિક ભરણપોષણ કરતા હતા. તેમના અચાનક અવસાનથી મરાઠે પરિવાર નિરાધાર બની ગયો છે અને ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક સામાન્ય મુલાકાત બાદ બહેનને વળાવવા જતી વખતે બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં પણ રોષ અને અરેરાટી ફેલાવી છે.
આ મામલા માં સૌથી ગંભીર બાબત ર્ં તે છે કે, અકસ્માત સર્જીને માનવતા દાખવવાને બદલે મોપેડ ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ અને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

