સુરતના માંડવીમાં આદિવાસીઓના ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીના ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર માસ્ટરમાઈન્ડ રામજી ચૌધરી સાથે મળીને મહિલાઓ અને યુવતીઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લલચાવવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં 4 સરકારી શિક્ષકોનો સમાવેશ થાય છે.
મીના ચૌધરી નેટવર્કમાં સક્રિય હતી આ કૌભાંડનો પર્દાફાશ ડૉ. અંકિત ચૌધરી સામે એક યુવતીએ લગ્નની લાલચે શારીરિક શોષણની ફરિયાદ નોંધાવ્યા બાદ થયો હતો. તપાસ દરમિયાન ધર્માંતરણના મોટા રેકેટનો ખુલાસો થયો હતો. માંડવીના ભાટખાઈ ગામની રહેવાસી મીના ચૌધરી આ નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી રહી હતી.
યુવતીઓ-મહિલાઓને લલચાવતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મીના ચૌધરી ધર્માંતરણ રેકેટના મુખ્ય સૂત્રધાર પાસ્ટર રામજી ચૌધરીની નજીક હતી. તે ભોળી યુવતીઓ અને મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લલચાવતી અને દબાણ કરતી હતી. ધરપકડ પહેલા મીનાએ પુરાવાનો નાશ કરવા માટે પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો, પરંતુ પોલીસની નજરથી તે બચી શકી ન હતી.
અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા 6 આરોપીઓ આ મામલામાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા 6 આરોપીઓમાં રામજી ચૌધરી (માસ્ટરમાઈન્ડ પાસ્ટર અને શિક્ષક), ગુરજી ચૌધરી (શિક્ષક), રાકેશ વસાવા (શિક્ષક), મીના ચૌધરી (શિક્ષિકા), ડૉ. અંકિત ચૌધરી (મુખ્ય આરોપી) અને નવીન ચૌધરીનો સમાવેશ થાય છે.

