આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-2ના ઉમેદવાર જયદીપસિંહ ઝાલા ઉર્ફે મહાકાલ વિરુદ્ધ જામનગર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયદીપસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) પર ગંભીર અને પાયાવિહોણા આક્ષેપો કર્યા હોવાનું તંત્રનું કહેવું છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ઝાલાએ વીડિયોમાં કોર્પોરેશનના સત્તાધીશો અને તંત્ર માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમના પર ખોટા આક્ષેપો દ્વારા પ્રજામાં તંત્ર પ્રત્યે રોષ જગાડવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ કૃત્ય સરકારી સંસ્થાની છબી ખરડાવવાના ઇરાદાથી કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરિયાદના આધારે, જામનગર સીટી બી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.
નોંધનીય છે કે જયદીપસિંહ ઝાલા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વોર્ડ નંબર-2ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ચૂંટણી પહેલા જ ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

