જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો થયો હોવાનું પોલીસમાં નોંધાયું છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી સુધી ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, રણજીતપર ગામના 33 વર્ષીય ખેડૂત રમેશભાઈ રણછોડભાઈ રાઠોડે જણાવ્યું કે, તેઓ અને તેમના ગામના ઉમેદભાઈ ગાંગાણી તથા જયંતીભાઈ રાઠોડ ગેરકાયદે રેતી ખનન કરી રહેલા વાહનોને અટકાવવા ગયા હતા. તે સમયે જોડિયા તાલુકાના બાલંભા ગામના નિલેશભાઈ માલવીયા, રૈનિસ પટેલ અને તેમના એક સાગરીતે લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
આરોપીઓએ ગાળાગાળી પણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને આક્ષેપો મુજબ, રણજીતપર પંચાયતની મંજૂરી વગર, બાલંભા ગામના કાગળો અને લેટરપેડનો દુરુપયોગ કરીને ખોટી રીતે રેતી ખનન માટે લીઝ ચલાવવામાં આવી રહી છે.
આ રેતી માફિયાઓ ગામમાં ખુલ્લેઆમ દાવો કરે છે કે જામનગર પોલીસ ખાતું અને કલેક્ટર કચેરી તેમના ખિસ્સામાં છે અને કોઈ તેમનું કંઈ બગાડી શકશે નહીં. ખાણ-ખનિજ વિભાગની ટીમ પણ ખોટા સર્વે નંબર બતાવી ગામ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાના આક્ષેપો થયા છે.

