વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આવતા બીમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કાર્ડ કઢાવવા માટે આવતા દર્દીઓ કે તેમના સગા-વહાલાઓ સાથે અહીંના કર્મચારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને જવાબ આપવાને બદલે ઉડાવ જવાબો અપાઇ રહ્યા હોવાની ઉઠી રહી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, જે દર્દીઓ વ્હીલચેર પર હોય અથવા ચાલી શકવાની સ્થિતિમાં ન હોય, તેમને પણ પહેલા માળે (ઉપર) ચડવાની ફરજ પાડવામાં આવે છે. જ્યારે સગાઓ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે દર્દી સીડી ચડી શકે તેમ નથી, ત્યારે માનવતા નેવે મૂકીને કર્મચારીઓ દ્વારા એવું રોકડુ પરખાવી દેવામાં આવે છે કે “દર્દીને ઉપર જ લાવવા પડશે, બાકી કાર્ડની પ્રોસેસ નહીં થાય.”એવી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા મનમાની કરવામાં આવે છે.
વીરપુર સરકારી હોસ્પિટલમાં આરોગ્યને લગતા અનેક વિભાગો આવેલા છે પરંતુ એ વિભાગોમાં ગુટલીબાજ કર્મચારીઓ અને ડોક્ટરોને લઈને દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે, કેટલાક વિભાગના કર્મચારીઓ અને ડોક્ટરો પોતાની ફરજ પર સમયસર આવતા ન હોવાથી દર્દીઓને ધરમના ધક્કા થઈ રહ્યા છે, તો બીજી તરફ ર્હોસ્પિટલના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ ખાલી હોવા છતાં, તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી નીચે શરૂ કરવામાં આવતી નથી.

