Gujarat

જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ

બેચરાજીમાં મેળાની ભડી વચ્ચે બજારમાં પશુઓ લઈને નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદ

યાત્રાધામ બહુચરાજીમાં આગામી ૩૧ માર્ચથી ૨ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ બેચરાજી પોલીસે બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેર રસ્તા પર ઢોર લઈ નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદ

આ ઘટનાની વિગત એવી છે કે આજે સવારે દસ વાગ્યાના સુમારે બહુચરાજી શક્તિ સર્કલ પાસે પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા. આ દરમિયાન બે શખ્સો પોતાના ઢોર સાથે જાહેર માર્ગ પરથી પસાર થતા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શખ્સો બેચર પરા વિસ્તારના રહેવાસી ૫૮ વર્ષીય ચેલાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ અને ૪૪ વર્ષીય દિનાભાઈ મોહનભાઈ ભરવાડ છે.

જાહેરનામાની જાણ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગ પર ઢોર લાવવા બદલ પોલીસે બંને વિરુદ્ધ ધી ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરવાની કાર્યવાહી પૂર્ણ કરી ઢોરને તેમના સંબંધીઓને પરત સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મેળા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ અડચણ ન પડે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.