Gujarat

બારડોલી રૂરલ પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા

બારડોલી રૂરલ પોલીસે વાંકાનેર ગામની સીમમાં ચાલતા એક જુગારધામ પર દરોડા પાડી 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ ₹13,320 સહિત જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે મળેલી સૂચનાના પગલે બારડોલી રૂરલ પોલીસ સક્રિય બની હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. જાડેજાના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર ગામની સીમમાં આવેલી ખેતરાડીમાં કોતર પાસે કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો હતો. પોલીસની અચાનક રેડથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

દરોડા દરમિયાન પોલીસે દાવ પરથી ₹4,300 અને અંગઝડતીમાંથી ₹9,020 રોકડા મળી કુલ ₹13,320 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત, પ્લાસ્ટિકનું પાથરણું અને ગંજીપત્તા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ બાબુ હળપતી (વાંકાનેર), ચેતન ઠાકોર હળપતી (વાંકાનેર), ખાલપ મોહન હળપતી (વાંકાનેર), નિલેશ આનંદ ગામીત (બારડોલી), હરીષ રમેશ હળપતી (વાંકાનેર), બળદેવ મંગુ હળપતી (વાંકાનેર), જયેશ બાબર હળપતી (વાંકાનેર) અને શંકર બાબુ હળપતી (સેજવાડ)નો સમાવેશ થાય છે.