જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ એ જ પવિત્ર સ્થળ છે, જ્યાં ભક્ત કવિ નરસિંહ મહેતા પર ભોળાનાથ પ્રસન્ન થયા હોવાની માન્યતા છે. જોકે, હાલમાં આ પવિત્ર ધામ તરફ જતો માર્ગ શ્રદ્ધાળુઓ માટે કપરો સાબિત થઈ રહ્યો છે.
ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો અંદાજે 300 મીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસમાર હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર એક-એક ફૂટના ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો અને ખાસ કરીને વયવૃદ્ધ ભક્તો માટે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. આગામી સમયમાં મહાશિવરાત્રિનો મેળો નજીક આવી રહ્યો છે, ત્યારે આ રસ્તાની હાલતને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રસ્તાના કામ મુદ્દે રાજકીય આક્ષેપબાજી તેજ બની આ બિસ્માર રસ્તાના મુદ્દે જૂનાગઢનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી નેતા લલિત પરસાણાએ શાસક પક્ષ અને વન વિભાગ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, અગાઉ આ રસ્તા માટે મંજૂરી મળી હોવા છતાં અને રૂ. 5 કરોડ જેટલી માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં માત્ર 300 મીટરનો ટુકડો કેમ બનતો નથી? તેમણે આક્ષેપ કર્યો કે, એક તરફ હિન્દુત્વની મોટી વાતો કરવામાં આવે છે.
પરંતુ વાસ્તવિકતામાં શિવરાત્રિ જેવા પવિત્ર પર્વ પહેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર પાસે કોઈ નક્કર આયોજન નથી. વિપક્ષના મતે અધિકારીઓ શાસકોના કાબૂમાં નથી, જેના કારણે સામાન્ય જનતા અને ભક્તોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

