કલોલ તાલુકાના સોજા ગામની સીમમાંથી રૂ. ૨૦.૫૪ લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. ખેતરમાં દારૂનો જથ્થો ઉતારી બીજા વાહનમાં લઇ જવાય તે પહેલા કલોલ તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. જાે કે દારૂનું કટિંગ કરનારા ત્રણ શખ્સો અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. પોલીસે દારૂની ૫૪૦૦ બોટલો જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બનાવની વિગત એવી છે કે તાલુકા પીઆઇ આર આર પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં નિકળ્યો હતો. ત્યારે પો. કો અનિરુધ્ધસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે સોજા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને બીજા વાહનમાં લઇ જવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તેના આધારે પોલીસ સ્ટાફ ખાનગી વાહનોમાં બાતમી મુજબના ખેતર નજીક પહોંચી હતી. ત્યારે દારૂની પેટીઓનો જથ્થો પડેલો જાેવા મળ્યો હતો.
નજીક જતાની સાથે ત્યાં ઉભેલા ત્રણ શખ્સો અંધારાનો લાભ લઇ નાસી ગયા હતાં. દારૂનો જથ્થો તાલુકા પોલીસ મથકમાં લઇ જવાયા બાદ ગણતરી કરવામાં આવતા દારૂ અને બિયરના ટીન મળી ૫૪૦૦ નંગ મળી આવ્યા હતાં. તે તમામની કિંમત રૂપિયા ૨૦,૫૪,૧૫૧ થાય છે. તેને જપ્ત કરી નાસી છૂટેલા ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

