ભરૂચના મકતમપુર સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ. કે. વી. વાડોદરીયાને ‘બેસ્ટ રિસર્ચર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને નવસારી કૃષિ યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ સન્માન અપાયું હતું.
ડૉ. વાડોદરીયા કપાસ સંશોધન ક્ષેત્રે આશરે 35 વર્ષથી કાર્યરત છે. તેમણે કપાસની 12 નવી જાતો વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશી કપાસની પાંચ નવી જાતો પણ વિકસાવવામાં આવી છે.

આ ઉપરાંત, તેમણે કૃષિ અને સંશોધન સંબંધિત વિષયો પર 20 સંશોધન લેખો અને ત્રણ પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે. કપાસ ઉગાડતા ખેડૂતો માટે તેમણે 11 નવી ટેક્નોલોજી પણ વિકસાવી છે, જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે કપાસ સંશોધન ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને અગાઉ પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ‘પ્રો. જે.પી. ત્રિવેદી એવોર્ડ’ અને ‘બેસ્ટ ઈન્ડિવિજ્યુઅલ લીડરશિપ કપ’નો સમાવેશ થાય છે.

