ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી પરીક્ષામાં સૌરાષ્ટ્ર – કચ્છમાં ધોરણ 10 અને 12 ના 4,17,920 વિદ્યાર્થીઓ છે. જેમાં ધો.10 માં 2,52,092 ધો.12 સામાન્ય પ્રવાહમાં 1,38,431 અને વિજ્ઞાન પ્રવાહમાં 28397 વિદ્યાર્થીઓ છે. દરમિયાન આજે રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ પરથી ધો.10 ના 2.52 લાખ વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો એસટી બસમાં રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા 22 અને 23 ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલશે.
એસટી બસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બસને બોર્ડના અધિકારીઓ દ્વારા GPS સિસ્ટમથી ટ્રેક કરવામાં આવી રહી છે. જેથી સુરક્ષિત રીતે પેપરો જે તે જિલ્લાના ઝોન સુધી પહોંચી જાય.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ ધનસુખ ભેંસણીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે સ્ટેટ ઝોન પરથી ધોરણ 10 ના 18 ઝોનના પ્રશ્નપત્રો રવાના કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લાના પ્રશ્નપત્રો 23 મી ફેબ્રુઆરીએ મોકલવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 18 બસ રવાના કરવામાં આવી છે. જેમાં ઝોનલ અધિકારી અને તેનો સ્ટાફ પણ સાથે રહેશે. આ બસમાં GPS સિસ્ટમ હોવાથી બોર્ડના અધિકારીઓ તેને ટ્રેક કરી નિગરાની રાખી શકે છે.
22 મી ફેબ્રુઆરીએ આટલા ઝોનના પ્રશ્નપત્રો રવાના ભાવનગર અને ત્યાંનું મહુવા તેમજ કૃષ્ણનગર, જામ ખંભાળિયા, ઉના, સુરેન્દ્રનગર, વઢવાણ, જૂનાગઢ, કેશોદ, પોરબંદર, વેરાવળ, અમરેલી, સાવરકુંડલા, બોટાદ, મોરબી, કચ્છનું ભુજ, ગાંધીધામ અને નખત્રાણા.

