અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલે ગેરેજ માલિકે કહ્યું કે, આ ગાડી કેટલાક મહિના પહેલા સર્વિસ માટે આવી હતી. ઘણાં સમયથી ઇલેક્ટ્રિક દરવાજા બંધ ન થતા હોવાથી તેની સર્વિસની કામગીરી કરવાની હતી.
સરખેજ વિસ્તારમાં એલ.જે કોલેજની પાછળ આવેલા એક ગેરેજની સામે અંદાજે ૪૦ વર્ષની ઉંમરના એક વ્યક્તિની લાશ મર્સિડીઝ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકનું મોત બે દિવસથી થયું હોવાનું લાગી રહ્યું છે. એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જે ગાડીમાંથી લાશ મળી છે તે ગાડી ૬ મહિનાથી બંધ હાલતમાં ત્યાં પડી હતી. ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

