Gujarat

જામનગરમાં બ્રાસપાર્ટ ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગરમાં ત્રણ મહિના પહેલાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી રૂ. ૧૧.૭૦ લાખના માલસામાનની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સિટી સી-ડિવિઝન પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂ. પોણા ચાર લાખની કિંમતનો ચોરાઉ મુદ્દામાલ તેમજ બે મોટરસાયકલ કબજે કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.

આ ચોરી આજથી ત્રણ મહિના પહેલાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલની વાડી સામે આવેલી શ્રી શ્યામ મેટલ નામની બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી થઈ હતી. તસ્કરો રૂ. ૧૧,૭૦,૦૦૦ની કિંમતનો આશરે ૭,૮૦૦ કિલો પિત્તળનો છોલ ચોરી ગયા હતા, જે અંગે સિટી સી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ચોરીનો ભેદ ઉકેલવા માટે સિટી સી-ડિવિઝનના પી.આઈ. એન.બી. ડાભી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા અને ઘટનાસ્થળ આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા હતા. ઉપરાંત, મોબાઈલ ફોનના ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સનું વિશ્લેષણ કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી.