Gujarat

જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાનું દહન

જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા આયોજિત હોલિકા મહોત્સવમાં 25 ફૂટ ઊંચી હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ વિવિધ કરતબ કર્યા હતા.

ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરા જાળવી રાખે છે. દર વર્ષે જામનગરમાં સૌથી મોટા હોલિકાના પૂતળાનું નિર્માણ કરવામાં આવે છે. આ મહોત્સવ ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા અનુસાર ઉજવવામાં આવે છે.

હોલિકાના નિર્માણ માટે ભોઈ સમાજના લોકો એક મહિના પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે. પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેવી કે ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર અને વિવિધ પ્રકારના આભૂષણોનો ઉપયોગ કરીને વિશાળ પૂતળું બનાવવામાં આવે છે. આ પૂતળાનું વજન અંદાજે 3 થી 4 ટન અને ઊંચાઈ લગભગ 25 ફૂટ જેટલી હોય છે. ભરતભાઈ ગોંડલીયા નિર્માણમાં માર્ગદર્શન આપે છે, જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવે છે.

કાર્યક્રમ માટે ભોઈ વાડા અને શાક માર્કેટ વિસ્તારને ધજા-પતાકાઓથી શણગારવામાં આવ્યો હતો. આ વિશાળ પૂતળાને વાજતે ગાજતે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક ખાતે લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. હજારો લોકોએ હોલિકાના દર્શન કર્યા હતા.

પુરાણોમાં વર્ણવેલી કથા મુજબ, હોલિકાને અગ્નિથી બચાવતી ચૂંદડી વરદાનરૂપે મળી હતી. પરંતુ ભક્ત પ્રહલાદને અગ્નિમાં લઈને બેઠી ત્યારે પવનના કારણે ચૂંદડી ઉડીને પ્રહલાદ પર પડી અને તેનો બચાવ થયો હતો. આ પ્રસંગને અહીં આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યો હતો.