Gujarat

કાર એસેસરીઝના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત

વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારીએ આપઘાત કર્યો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાર એસેસરીઝનો વેપાર કરતા અને વેપારીએ 8 એપ્રિલની રાત્રે દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં વેપારીએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

દુકાનમાં ગળેફાંસો ખાઈ વેપારીનો આપઘાત શહેરના હુજરત પાગા વિસ્તારમાં નીતિન શાહ કલકત્તા કાર એસેસરીઝ નામની દુકાન ચલાવતા હતા. જેમણે ગત રાત્રે પોતાની જ દુકાનમાં ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવને લઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો:મૃતકના ભાઈ આ બનાવ અંગે મૃતકના ભાઈ દીપેશ શાહે જણાવ્યું હતું કે, વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મારા ભાઈએ આ પગલું ભર્યું છે. ખોટા હિસાબો માંગી કેટલાક લોકો વ્યાજ વસૂલવા માટે વારંવાર પરેશાન કરતા હતા.

મૂડી સાથે વ્યાજ ચૂકવવા છતાં હજુ વ્યાજ માંગે છે. કેટલાક વ્યક્તિઓએ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરતા તમામ વ્યક્તિઓના નામ પણ મે પોલીસને આપ્યા છે. પોલીસ કમિશનરને મારી વિનંતી છે કે આ વ્યાજખોર સામે કડક પગલા ભરવામાં આવે.