Gujarat

મહેસાણામાં વૃદ્ધના ગળામાંથી ચેઇનસ્નેચિંગ

માનવ આશ્રમ રોડ પર બે બાઈકસવાર વૃદ્ધના ગળામાંથી દોઢ તોલાનું મંગળસૂત્ર ઝૂંટવી ફરાર

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક લૂંટની ઘટના સામે આવી છે. માનવ આશ્રમ રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા એક ૫૪ વર્ષીય વૃદ્ધા સાંજના સમયે મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહેસાણાના માનવ આશ્રમ રોડ પર ગૌરવ ટાઉનશીપમાં રહેતા હીનાબેન જાેષી ગત ૬ તારીખે સાંજના સમયે પોતાની સોસાયટી નજીક આવેલા રામેશ્વર મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને તેઓ હીના ટાઉનશીપથી ગૌરવ ટાઉનશીપ તરફ પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ગૌરવ ટાઉનશીપ પાસે જ એક બાઇક પર બે અજાણ્યા યુવકો તેમની નજીક આવ્યા હતા. વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ બાઇક સવાર તસ્કરોએ તેમના ગળામાં પહેરેલું આશરે દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું.

અચાનક થયેલા આ લૂંટ થી ગભરાયેલા હીનાબેને બૂમાબૂમ કરી મૂકી હતી. હીનાબેનનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ લોકો ભેગા થાય તે પહેલા જ તસ્કરો બાઇક પર પૂરઝડપે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સમગ્ર ઘટનામાં દોઢ લાખનું મંગળ સૂત્ર ઝૂંટવી ફરાર થનાર તસ્કરો સામે ભોગ બનનાર વૃદ્ધાએ આ અંગે મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.