માણસા તાલુકાના આજોલ ગામના મૂળ વતની અને હાલ બંગલોમાં રહી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય યુવક સાથે ચાંદખેડાના વિઝા એજન્ટ પિતા પુત્રએ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને કુલ 16.40 લાખની રકમ પડાવી લઈ ઠગાઈ આચરવામાં આવતા માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદખેડામાં રહેતા વિઝા એજન્ટને 2 વર્ષ પહેલા મળ્યો હતો માણસાના ક્રિષ્ના બંગલોમાં રહી છૂટક મજૂરી કરતા ભાવિક રાજેન્દ્રભાઈ ચાવડા ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે બે વર્ષ અગાઉ ચાંદખેડા ખાતે રહેતા વિઝા એજન્ટ બંસી નવીનચંન્દ્ર દેસાઈ તથા તેનો દીકરો વરૂણ દેસાઇને મળ્યો હતો.
31.23 લાખનું પેકેજ નક્કી કર્યું એ વખતે ભાવિકને વિશ્વાસમાં લઈ પિતા પુત્રએ જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકોને સફળતાપૂર્વક વિદેશ મોકલી ચૂક્યા છે. આથી વિશ્વાસમાં આવીને ભાવિકે 31.23 લાખનું પેકેજ નક્કી કર્યું હતું. જે પૈકી શરૂઆતમાં પ્રોસેસ પેટે 25,000 ફોન-પે મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ વધુ વિશ્વાસ કેળવવા એજન્ટોએ ભાવિકના મોબાઈલ પર ઓસ્ટ્રેલિયાના ટુરીસ્ટ વિઝાની નકલ મોકલી હતી. જે જોઈને તેને ખાતરી થઈ હતી કે તેનું કામ થઈ જશે.
કુલ 16.40 લાખ એજન્ટોને આપ્યા જેના પગલે તેણે પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના પાછીના કરી 24 અને 25 જૂન 2025 દરમિયાન 14.15 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ એજન્ટ વરુણ દેસાઈએ ઓસ્ટ્રેલિયાની ટિકિટ બુકિંગના નામે વધુ 2 લાખ પડાવ્યા હતા. આમ, ભાવિકે પોતાની મહેનતના અને ઉછીના લીધેલા કુલ 16.40 લાખ એજન્ટોને આપી દીધા હતા.

