કચ્છ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સની પ્રતિષ્ઠિત યાદી રામસર સાઇટમાં સામેલ થયું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.
છારી-ઢંઢ ગુજરાતની પાંચમી રામસર સાઈટ હાલ ગુજરાતમાં સમાવિષ્ટ રામસર સાઇટ્સમાં નળસરોવર બર્ડ સેન્ચુરી, થોળ પક્ષી અભ્યારણ્ય, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય , વઢવાણ પક્ષી અભ્યારણ્યઅને હવે છારી-ઢંઢ પક્ષી અભ્યારણ્યનો સમાવેશ થાય છે.છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મનપસંદ આશ્રયસ્થાન છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી આવનારા પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. ગુજરાત દેશના કુલ વેટલેન્ડ વિસ્તારના 21 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે રાજ્યને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે અગ્રણી બનાવે છે.
ભુજથી 80 કિમીના અંતરે આવેલું છે છારી-ઢંઢ ‘છારી’ એટલે ખારું અને ‘ઢંઢ’ એટલે છીછરા તળાવો. છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર વર્ષ 2008માં વનવિભાગ દ્વારા જાહેર કરાયું હતું. ભુજથી 80 કિલોમીટર દૂર આ વેટલેન્ડ 227 ચો.કી મી ના વિસ્તારમાં સંરક્ષિત છે. વર્ષ 1992માં 22,700 હેક્ટર વિસ્તારને ‘રણ પક્ષી અભયારણ્ય’ જાહેર કરવા પ્રસ્તાવ મુકાયો હતો.
છારીઢંઢ પક્ષીઓ અને પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓની આશરે 270 જેટલી પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સ્થળાંતર કરનારા હજારો પક્ષીઓ ઠંડીની ઋતુ ગાળવા આવે છે. આ ઉપરાંત અહીં વરુ, રણ બિલાડી, શિયાળ, લોમડી, હેણોતરો સહીત દુર્લભ પ્રાણીઓ જોવા મળે છે. શિયાળામાં હજારો કુંજ પક્ષી સાયબેરિયાથી અહીં પ્રવાસ ખેડે છે. 40 પ્રકારના વિવિધ ઘાસ અહીં વન્યપ્રાણીઓને ખોરાક અને જીવન પૂરું પાડે છે.

