Gujarat

કચ્છનું છારી-ઢંઢ હવે રામસર સાઇટ; રાજ્યમાં હવે 5 આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ

કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ સાથે જ ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે, જ્યારે ભારતનું રામસર નેટવર્ક 2014માં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચ્યું છે.

ગુજરાત અગાઉથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામસર સાઇટ્સ ધરાવે છે. હવે છારી-ઢંઢ આ યાદીમાં જોડાનાર ગુજરાતનું પાંચમું અને કચ્છ જિલ્લાનું પ્રથમ વેટલેન્ડ બન્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ-વિવિધતા અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વેટલેન્ડ સંવર્ધન માટે સતત કાર્યરત છે.

ભારતના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં વેટલેન્ડ્સ ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો ભાગ રોકે છે. રાજ્યમાં 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ અને 19 એવા વિસ્તારો છે જે પક્ષીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન આ નિવસનતંત્રોના સંશોધન અને દસ્તાવેજીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.