Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ આપતું વિશેષ ટપાલ કવર જાહેર કર્યું

ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને અનન્ય સાંસ્કૃતિક વારસાને હવે રાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે છોટાઉદેપુર જિલ્લાના પ્રસિદ્ધ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત વિશેષ ટપાલ ટિકિટ અને સ્પેશિયલ કવરનું ગરિમાપૂર્ણ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આ ઐતિહાસિક ટપાલ ટિકિટની પ્રથમ પ્રત મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.

સાંસ્કૃતિક વિરાસતને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાનો પ્રયાસ છોટાઉદેપુરના કવાંટ ખાતે દર વર્ષે હોળી પછી યોજાતો ‘કવાંટ ગેર મેળો’ એ માત્ર મેળો નથી, પરંતુ આદિવાસી સમુદાયના લોકજીવન, કલા અને પરંપરાઓનો જીવંત દસ્તાવેજ છે. આ ટપાલ ટિકિટના લોન્ચિંગથી ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને દેશ અને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડવાની દિશામાં એક મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ પહેલ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રને સાર્થક કરતી જોવા મળી રહી છે.

ગાંધીનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો સહભાગી થયા હતા. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ઉપરાંત છોટાઉદેપુરના લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈન, પ્રવર ડાક અધિક્ષક આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના અગ્રણી પ્રતિનિધિઓએ પણ આ ક્ષણને વધાવી લીધી હતી.

શું છે ‘કવાંટ ગેર મેળા’નું મહત્વ? કવાંટનો ગેર મેળો એ પ્રકૃતિ અને માનવ વચ્ચેના અતૂટ જોડાણનું પ્રતિક છે. આ મેળામાં આદિવાસી સમુદાયના લોકો પરંપરાગત વેશભૂષા, શરીરે પીઠોરા ચિત્રકલા જેવી ચિત્રકારી અને વાજિંત્રો સાથે ઉમટી પડે છે. આ ઉત્સવ સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલી આવતી રૂઢિઓને જીવંત રાખવાનું કામ કરે છે. ટપાલ ટિકિટ પર આ મેળાને સ્થાન મળવાથી આદિવાસી કલાના સંરક્ષણ અને તેને નવી પેઢી સુધી પહોંચાડવામાં મોટી મદદ મળશે.