Gujarat

‘યુવાનોના ભવિષ્ય સાથે રાજકારણ ન કરવું જાેઈએ‘ : AI સમિટ મુદ્દે કોંગ્રેસના વિરોધ પર મુખ્યમંત્રીનો પ્રહાર

AI ઇમ્પેક્ટ સમિટ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને યુવાશક્તિના ઉજ્જવળ ભવિષ્ય સાથે રાજકારણ કરવું યોગ્ય નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ ભારત ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.

AI સમિટ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના યુવાનોને નવી દિશા અને અનંત તકો આપતી ઐતિહાસિક પહેલ છે. તેમણે ઉમેર્યું કે, સ્ટાર્ટઅપ્સ, ઇમર્જિંગ ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી ઐતિહાસિક પહેલનો વિરોધ કરવો એ દેશના હિતો સામે જવું સમાન છે.

મુખ્યમંત્રીએ કોંગ્રેસને સંબોધતા કહ્યું કે, જ્યારે જ્યારે ભારત વિશ્વમંચ પર ગૌરવ અનુભવે છે, ત્યારે કેટલાક લોકો તેના વિરોધમાં ઊભા રહે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાત સહિત સમગ્ર દેશની યુવાશક્તિ માટે આ સમિટ નવી આશાઓનો દ્વાર ખોલે છે. આવા સમયે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરવો રાજકીય અસ્થિરતાનું પ્રતીક છે. રાજકીય માહોલમાં આ મુદ્દે ગરમાવો જાેવા મળી રહ્યો છે, પરંતુ ભાજપ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દેશના વિકાસ અને ટેક્નોલોજી ક્ષેત્રની પ્રગતિમાં કોઈ અવરોધ સહન નહીં કરવામાં આવે.