જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દરમિયાન વકીલો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. એક નોન-પ્રેક્ટિસનર વકીલ મતદાન કરવા આવતા સિનિયર વકીલે તેમનું આઈડી કાર્ડ માંગ્યું હતું, જેના કારણે વિવાદ વકર્યો હતો.

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી આજે સમગ્ર રાજ્યમાં નિયત નિયમો મુજબ યોજાઈ રહી છે. અંદાજે 70,000 વકીલો આ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે. જામનગરમાં આ વખતે પાંચ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મીનાબેન ભાયાણી અને ચાંદનીબેન પોપટ નામની બે મહિલા ઉમેદવારો અનામત બેઠક પરથી લડી રહી છે.

મતદાન ચાલુ હતું તે દરમિયાન એક નોન-પ્રેક્ટિસનર વકીલ મત આપવા આવ્યા હતા. સિનિયર વકીલે તેમની ઓળખ અને આઈડી કાર્ડ માંગતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા સિનિયર વકીલે કથિત નોન-પ્રેક્ટિસનર વકીલ પર હાથ ઉપાડ્યો હતો.
વકીલોની ચૂંટણીમાં નોન-પ્રેક્ટિસનર વકીલોના મતદાનનો મુદ્દો લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. જે વકીલોએ સનદ મેળવ્યા બાદ અન્ય વ્યવસાયો અપનાવ્યા છે અને પોતાની સનદ જમા કરાવી નથી, તેઓ ચૂંટણીમાં મતદાન કરે છે. આનાથી નિયમિત પ્રેક્ટિસ કરતા વકીલોમાં અસંતોષ છે, કારણ કે નોન-પ્રેક્ટિસનર વકીલો હોદ્દેદારો નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે.

