Gujarat

અમરેલી અને જામનગરની કોલેજોએ જીત મેળવી, રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરશે

જામનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘રોડ સાયકલિંગ ઇન્ટર કોલેજ સ્પર્ધા 2026’ તાજેતરમાં સંપન્ન થઈ. આ સ્પર્ધાનું સફળ સંચાલન જામનગરની ભવન્સ એચ. જે. દોશી કોલેજને સોંપવામાં આવ્યું હતું. વાલસુરા રોડ પર યોજાયેલી આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરના યુવા સાયકલિંગ પ્રતિભાઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોમાંથી અંદાજે 30થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન બે શ્રેણીમાં કરવામાં આવ્યું હતું: ભાઈઓ માટે 30 કિલોમીટરની રોડ રેસ અને બહેનો માટે 20 કિલોમીટરની રોડ રેસ.

સ્પર્ધાના અંતે, ભાઈઓની શ્રેણીમાં અમરેલીની કામાણી સાયન્સ કોલેજ અને જામનગરની ભવન્સ એચ. જે. દોશી કોલેજ ચેમ્પિયન બની હતી. જ્યારે બહેનોની શ્રેણીમાં જામનગરની ભવન્સ એ. કે. દોશી મહિલા કોલેજ અને અમરેલીની કામાણી સાયન્સ કોલેજે વિજય મેળવ્યો હતો.

આ સ્પર્ધામાં પ્રથમ 6 ક્રમે વિજેતા થનાર ભાઈઓ અને બહેનોની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ હવે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે યોજાનાર ‘ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી’ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.