Gujarat

માધવપુરમાં વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોનનો પ્રારંભ

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત ‘વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન-2026’નો માધવપુર ખાતેથી પ્રારંભ થયો હતો. દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા વધુ સુદ્રઢ બને અને તટીય વિસ્તારના નાગરિકોમાં શિક્ષણ તથા આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને CISFના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના વિશાળ દરિયાકિનારાની સુરક્ષા માટે સ્થાનિક માછીમારો અને નાગરિકોનો સહકાર અત્યંત મહત્વનો છે. તેમણે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસ કે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરી હતી. વધુમાં તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકી સૌને રાષ્ટ્રહિતના કાર્યમાં જોડાવા આહવાન કર્યું હતું.

CISF અમદાવાદના ગ્રુપ કમાન્ડન્ટ હરેન્દ્ર નારાયણે આ અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેનો મુખ્ય ઉદ્દેશ દરિયાકાંઠાના લોકોને સુરક્ષા પ્રત્યે સજાગ કરવા અને ભારતના સમૃદ્ધ ઇતિહાસથી માહિતગાર કરવાનો છે. સાયક્લોથોન ટીમ જે ગામોમાં રાત્રિ રોકાણ કરશે, ત્યાંના લોકોની શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોને સમજીને જરૂરી સહકાર આપશે.

આ સાયક્લોથોન દ્વારા સ્થાનિક માછીમારો અને યુવાનોને શારીરિક તંદુરસ્તી અને સક્રિય સહયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં CISF અમદાવાદના ગ્રુપ કમાન્ડન્ટ હરેન્દ્ર નારાયણ, ડેપ્યુટી કમાન્ડન્ટ અર્ચિત ખેતા, ડેપ્યુટી કમાન્ડન્ટ સંદિપ ચક્રવતી, માધવપુરના સરપંચ ભનુભાઇ ભુવા તેમજ મોટી સંખ્યામાં CISFના જવાનો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કમાન્ડન્ટે ગ્રામજનો દ્વારા મળેલા ઉષ્માભર્યા પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.