ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી પગપાળા યાત્રીઓને રિફ્લેક્ટર બેલ્ટ અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ચૈત્રી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અથવા મોડી રાત્રિના સમયે પદયાત્રા કરતા હોય છે. રાત્રિના અંધકારમાં વાહનચાલકોને આ પદયાત્રીઓ સ્પષ્ટ રીતે દેખાતા નથીબજેને કારણે અકસ્માત થવાનો ભય રહે છે. આ જાેખમને નિવારવા માટે સાંથલ પોલીસ દ્વારા યાત્રાળુઓના કપડાં અને બેગ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. આ રિફ્લેક્ટર વાહનની લાઈટ પડતા જ તેજસ્વી રીતે ચમકે છે.જેનાથી વાહનચાલકો દૂરથી જ યાત્રાળુઓની હાજરી જાણી શકે છે અને અકસ્માતની સંભાવના ઘટાડી શકાય છે.
આ સેવાકીય પ્રવૃત્તિ સાથે પોલીસ અધિકારીઓએ યાત્રાળુઓને માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. યાત્રાળુઓને હંમેશા રોડની ડાબી બાજુ ચાલવા, જૂથમાં ચાલતી વખતે શિસ્ત જાળવવા અને પૂરઝડપે આવતા વાહનોથી સાવધ રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પોલીસના આ માનવીય ચહેરા અને સુરક્ષાલક્ષી કામગીરીની પદયાત્રીઓમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ‘નાના પગલાં, મોટી સુરક્ષા‘ના સૂત્રને સાર્થક કરતા સાંથલ પોલીસના આ પ્રયાસને ગ્રામજનો અને ભક્તોએ લોકહિત માટે ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.

