Gujarat

ગેસના બાટલા લઈ કોંગ્રેસના MLA વિધાનસભામાં પહોંચ્યા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો (૧૩ માર્ચ) ૧૪મો દિવસ છે. મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ભારતમાં ગેસ સપ્લાયની ચેઈન પર અસર પડી છે. જેને લઈને કોંગ્રેસ સંસદથી લઈ સડક સુધી જાેરદાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. દેશમાં ગેસના બાટલાની અછત સર્જાતા તેની અસર ગુજરાતમાં પણ પડી છે. અનેક રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે અને અનેક બંધ થવાની કતારમાં છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં હલ્લાબોલ કર્યો છે. કોંગ્રેસના સ્ન્છ અમિત ચાવડા ખભે સિલન્ડર લઈ તો તુષાર ચૌધરી માથે લાકડા લઈ વિધાનસભામાં પહોંચ્યા હતા. ‘સાહેબનો આઇડિયા કામ આવ્યો?’ના પોસ્ટર સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ જાેરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે લોકો ગેસના સિલિન્ડર માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ગૃહિણીઓને ગેસ મેળવવા માટે દરદર ભટકવું પડે છે, જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થયા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાયના મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે.

સરકારએ તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવી જાેઈએ, જેથી જનતાને રાહત મળે. તેમણે ચેતવણી આપી હતી કે જાે હાલની સ્થિતિ ચાલુ રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી છે.