Gujarat

રાજ્યમાં હવે પ્રેમલગ્નમાં માતા-પિતાની સહમતિ અનિવાર્ય

સામાજિક પ્રેશર વધતા રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ડ્રાફ્ટ સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે પ્રેમ લગ્ન માટે અરજી કરશો તો વોટ્સએપ દ્વારા માતા-પિતાને જાણ કરાશે, અરજી કર્યાના ૪૦માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. તો આવો જાણીએ કે લગ્ન નોંધણીના સૂચિત સુધારા કેવા હશે…

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જે લોકો માતા-પિતાની મંજૂરીથી લગ્ન કરતા હોય એવા લોકોને ધક્કા ખાવા ન પડે અને પ્રેમલગ્નમાં પણ જે પોતાની ખોટી ઓળખ બતાવતા નથી એવા લોકોને પણ ધક્કા ખાવા ન પડે એવી સિસ્ટમ બનાવી છે. નવી પદ્ધતિમાં નોટરી કરનારે તમામ લોકોની હાજરીમાં નોટરી કરવી પડશે. જાે હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલાં લેવાશે. માતા-પિતાના આધાર કાર્ડ અને ફોન નંબર પણ લેવામાં આવે છે. લગ્ન નોંધણીની અરજી આપશે એ જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા-પિતાને સંપૂર્ણ ડિટેઇલ મોકલી દેવાશે.

રાજ્ય સરકાર આગામી દિવસોમાં પ્રેમ લગ્નોની નોંધણી માટે અલગ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની પણ તૈયારીમાં છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય તેવી બને. જેમાં જેવી રજિસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એ જ મિનિટે વોટ્સએપ દ્વારા માતા-પિતાને તેમની દીકરીએ લગ્ન નોંધણી માટે જે વિગત આપી છે તે ડિટેઇલ અપાશે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમ લગ્નોની વિરોધી નથી, પરંતુ યુવતીઓની સુરક્ષા, પારદર્શિતા અને કાનૂની પ્રક્રિયા મજબૂત બનાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા જરૂરી બન્યા છે. નવા નિયમો હેઠળ કન્યા અને વરરાજા સાથે રહેલા સાક્ષીઓની સંપૂર્ણ માહિતી, તેમના ફોટોગ્રાફ અને આધાર કાર્ડની નકલ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. કોર્ટમાં સરકાર આધારિત નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે.

હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે લગ્ન પછી દહેજ અથવા મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરવામાં આવશે તો તેવા કેસોમાં ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે. સરકારનો હેતુ યુવતીઓની સુરક્ષા અને કાયદાકીય રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ સુધારા રજૂ થતાં ગૃહમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવના છે.

ગુજરાત વિધાનસભામાં નિયમ ૪૪ હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાત Regist®aion of Marriages Rules હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો ર્નિણય કર્યો છે. આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા-સૂચનો માંગવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે, જેથી લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુગમ બને.