મહેસાણા શહેરમાં થોડા વર્ષ અગાઉ સનસનાટી મચાવનાર IELTS પરીક્ષાના પેપર લૂંટ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી છે. પંજાબના વતની એવા આરોપી કલ્યાણ ઉર્ફે કાજુએ જેલમુક્ત થવા માટે કરેલી અરજી સામે સરકાર પક્ષની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેસન્સ કોર્ટના જજ એસ.બી. ભટ્ટે જામીન ફગાવી દેતો હુકમ કર્યો છે.
IELTS પરીક્ષાના પેપરો ભરેલા ૩ પાર્સલની લૂંટ ચલાવી હતી
મહેસાણાના માલગોડાઉન રોડ પર આવેલ સરદાર પટેલ વેપાર સંકુલમાં આવેલી બ્લૂ ડાર્ટ એક્સપ્રેસની ઓફિસમાં આરોપીઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા. આ ટોળકીએ ઓફિસમાં હાજર કર્મચારીઓને ડરાવી-ધમકાવીને IELTS પરીક્ષાના અતિ ગોપનીય પેપરો ભરેલા ૩ પાર્સલની લૂંટ ચલાવી હતી. લૂંટની આ વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્કોર્પિયો કારમાં નાસી છૂટ્યા હતા. આ અંગે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે લૂંટ અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સરકારી વકીલે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી
જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ કેસ શૈક્ષણિક પરીક્ષાઓની પારદર્શિતા અને સુરક્ષા સાથે જાેડાયેલો ગંભીર ગુનો છે. આરોપી અન્ય રાજ્યનો હોઈ અને ગુનામાં તેની સક્રિય સંડોવણી જાેતા તેને જામીન આપવા ઉચિત નથી.”
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાને લીધી હતી. પરિણામે આરોપી કલ્યાણ ઉર્ફે કાજુની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આ ચુકાદાથી પેપર લીક અને લૂંટ જેવા ગંભીર કાવતરામાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

