Gujarat

લીંબડીમાં ખુલ્લી ગટરમાં પડી જતા ગાયનું મોત

લીંબડી શહેરના ફતેસિંહ જીન નજીક આવેલા નાળા પાસે ખુલ્લી ગટરમાં પડી જતાં એક ગાયનું મોત થયું છે. શહેરના વ્યસ્ત માર્ગ પર આવી બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે મળતી માહિતી મુજબ, ગટર ખુલ્લી અને જર્જરિત હાલતમાં હતી, જેના કારણે ગાય અચાનક તેમાં ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

ભારે જહેમત બાદ ગાયને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે ગાયનું મોત નીપજ્યું હતું.સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને લોકો પસાર થાય છે. આવી ખુલ્લી ગટર કોઈપણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ગાયના બદલે કોઈ બાળક કે વાહનચાલક ગટરમાં પડે તો તેની જવાબદારી કોણ લેશે. જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકોએ તાત્કાલિક તમામ ખુલ્લી ગટરો બંધ કરવા, જવાબદારો સામે કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા માંગ કરી છે.