પખવાડિયામાં બીજી વખત રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીથી માત્ર 600 મીટરના અંતરે યાગનિક રોડ પર ઇમ્પિરીયલ હોટેલ સામે આવેલ માધવ કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ડબ્બા ટ્રેડિંગ કરતા સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાકેશ પોપટ, મુકેશ વિરડીયા અને મહેશ પરમારની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કુલ 18.89 લાખનો મુદામાલ કબજે કર્યો છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 316(5), 318(4), 319(2), 238 અને IT એક્ટની કલમ 66, 66(સી), અને 66(ડી) મુજબ ગુનો નોંધી ફરાર 6 શખસની શોધખોળ હાથ ધરી છે.
ઓફિસ નં.108-109માં ગેરકાયદેસર ટ્રેડિંગની બાતમી મળી ગઈકાલે (2 માર્ચ) સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ શહેર યાજ્ઞિક રોડ પર રાકેશ ધીરજલાલ પોપટ તથા મિહીર મનોજભાઈ કલ્યાણી બન્ને ભેગા મળી ઇમ્પિરિયલ હોટેલની સામે આવેલા માધવ કોંમ્પલેક્ષમાં ઓફિસ નંબર 108-109માં ગેરકાયદેસર રીતે શેરની લે-વેચ કરી ડબ્બા ટ્રેડિંગ ચલાવે છે. પોતાના મોબાઈલ ફોનમાં વિવિધ એપ્લિકશેનમાં શેર બજારની વધઘટ જોઇ લોકોને શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારનું કોઇપણ પ્રકારના લાયસન્સ વગર શેર બજારની લે-વેચનો ધંધો કરી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવે છે.
જે હકીકત આધારે SMCએ રેડ કરતા રાકેશ ધીરજલાલ પોપટ મળી આવ્યો હતો, જેને મિહિર કલ્યાણી વિષે પૂછતાં તેનો મિત્ર હોવાનું અને તે બહારગામ હોવાનું જણાવ્યું હતું. આ સિવાય ઓફિસમાંથી મુકેશ મીઠાભાઈ વીરડીયા અને મહેશ રવજીભાઈ પરમાર મળી આવતા તેની ઝડતી લઇ તપાસ શરૂ કરવામાં આવી હતી.

