આઈસ્ક્રીમ લેવાના બહાને વેપારીના ગળામાંથી ૬ તોલાની સોનાની ચેઈન ઝુંટવી બે ગઠિયા ફરાર
મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં તસ્કરોએ હવે ધોળા દિવસે વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ‘શિવ પાર્લર‘માં આઈસ્ક્રીમ લેવાના બહાને આવેલા બે અજાણ્યા બાઈક સવારો વેપારીના ગળામાંથી આશરે રૂ ૩.૯૦ લાખની કિંમતની સોનાની બે ચેઈન તોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદી બસ સ્ટેશન પાસે પાર્લર ચવાલે છે
લીંચ ગામના તોતરમાતાના મંદિર પાસે રહેતા ૫૨ વર્ષીય ભરતજી રામસંગજી ઠાકોર ગામના બસ સ્ટેન્ડ પાસે ‘શિવ પાર્લર’ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત સાંજે આશરે સાડા છ વાગ્યાના સુમારે એક બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની દુકાને આવ્યા હતા. જેમાં બાઈક ચલાવનાર શખ્સે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સફેદ શર્ટધારી શખ્સે પ્રથમ ગુટખા અને વેફર ખરીદી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો.
બે ચેઈન તોડી ગઠિયાઓ ફરાર
ત્યારબાદ સાતેક વાગ્યાના સુમારે આ ગઠિયાએ આઈસ્ક્રીમ માંગતા ભરતજી દુકાનના આગળના ભાગે મુકેલ ફ્રિજ ખોલવા માટે નીચે નમ્યા હતા. વેપારી જેવો નીચે નમ્યો કે તુરંત જ તકનો લાભ ઉઠાવી ગઠિયાએ તેમના ગળામાં પહેરેલી સાડા ત્રણ તોલાની સોનાની ચેઈન કિંમત રૂ ૨,૨૮,૦૦૦ અને અઢી તોલાની બીજી સોનાની ચેઈન કિંમત રૂ ૧,૬૨,૫૦૦ મળી કુલ ૬ તોલાના દાગીના ઝુંટવી લીધા હતા. વેપારી કઈ સમજે તે પહેલા જ બંને લૂંટારુઓ બાઈક પર સવાર થઈ પલાયન થઈ ગયા હતા.
પોલીસે સીસીટીવી તપાસી શોધખોળ શરૂ કરી
ભરતજીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો અને અન્ય વેપારીઓ એકઠા થઈ ગયા હતા, પરંતુ લૂંટારુઓ હાથ લાગ્યા નહોતા. આ અંગે લાંઘણજ પોલીસને જાણ કરાતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના ઝ્રઝ્ર્ફ ફૂટેજ તપાસી આરોપીઓને પકડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.

