Gujarat

ઢોકળવા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા – 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢોકળવા ગામે થયેલી મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1,79,000ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ, વાહન અને મંદિર ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓને ઉકેલવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી.

આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. ચોક્કસ બાતમીના આધારે, LCB ટીમે ચોરીમાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા ચાંદીના દાગીના, એક અલ્ટો ગાડી અને એક મોબાઇલ ફોન સહિત કુલ ₹1,79,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ₹69,000ની કિંમતની પાંચ ચાંદીની હાસડી (કામ્બી), ₹1,00,000ની કિંમતની એક અલ્ટો ગાડી અને ₹10,000ની કિંમતનો એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.