વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ફરી એકવાર ગંદકી અને ડ્રેનેજ વ્યવસ્થાની સમસ્યા સામે આવતા જવાબદાર તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભગવાન સોમનાથના દર્શન માટે દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓને આસ્થાભેર યાત્રા દરમિયાન ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો આજે વહેલી સવારે જોવા મળ્યા હતા.
મંદિરના મુખ્ય પ્રવેશ માર્ગ પર આવેલા દિગ્વિજય દ્વાર નજીક ગટર ઓવરફ્લો થતા મુખ્ય રસ્તા પર ગંદા પાણીનો ભરાવો થયો હતો. સવારે આશરે 8 વાગ્યે સર્જાયેલી આ સ્થિતિમાં મંદિર તરફ જતા માર્ગ પર ગટરનું પાણી વહી રહ્યું હતું અને શ્રદ્ધાળુઓ, ખાસ કરીને વયોવૃદ્ધ અને મહિલાઓ માટે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો હતો.

આસ્થાથી ભરપૂર ભક્તો ભગવાનના દર્શન માટે લાંબી મુસાફરી કરીને આવે છે, પરંતુ તેમને મંદિર નજીક જ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે તે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ ગણાય. ગટરનાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે તેવા દ્રશ્યો જોઈ યાત્રિકોમાં ભારે કચવાટ અને અસંતોષ જોવા મળ્યો હતો.

