ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટનો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક યુવકે બાઇક પર જીવલેણ સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે.
વાયરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક યામાહા MT-15 બાઇક પર દોડતી વખતે સ્ટીયરિંગ પરથી બંને હાથ છોડી દે છે અને બાઇક પર ઊભો રહી સ્ટંટ કરે છે. વ્યસ્ત નેશનલ હાઇવે પર આ પ્રકારની બેદરકારી અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે.

મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખા સક્રિય થઈ હતી. જિલ્લા ટ્રાફિક શાખાના વિજયભાઈ ગોવિંદભાઈ બારડ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુજકોપના આધારે આરોપીની ઓળખ કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ પ્રભાસ પાટણના લાલજી સોમાભાઈ બામણીયા (ઉંમર 32) તરીકે થઈ હતી. તેણે કબૂલ્યું હતું કે 2 એપ્રિલના રોજ સુત્રાપાડા હનુમાન જયંતિ પ્રસંગે જતી વખતે તેણે કાજલી બાયપાસ રોડ પર આ સ્ટંટ કર્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

