Gujarat

જૂનાગઢ ભવનાથ રોડ પર વાહન ચાલકોના શ્વાસ અદ્ધર

લાઈટો-ઘોંઘાટથી ગભરાયેલા સાવજ દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં ભાગ્યા

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં (૩૧ માર્ચ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જાેવા મળી રહ્યા છે. આ ઘટના માત્ર ૭ સેકન્ડમાં બની હતી, જેમાં વાહનોની લાઈટો અને ઘોંઘાટથી ગભરાયેલા સિંહો દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં નાસી છૂટ્યા હતા. આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે વન વિભાગ ભલે કાગળ પર ઈકો-ઝોન અને સુરક્ષાના મોટા દાવા કરતું હોય, પણ વાસ્તવિકતામાં વન્યજીવો રસ્તા પર ભગવાન ભરોસે છે.

વાઇરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે જ્યારે સિંહોનું ટોળું રસ્તો ઓળંગી રહ્યું હતું, ત્યારે વાહનોની અવરજવર ચાલુ હતી. અચાનક સિંહોને સામે જાેઈ વાહનચાલકોએ તાત્કાલિક બ્રેક મારી દેવી પડી હતી. જાે સેકન્ડના સોમા ભાગની પણ ચૂક થઈ હોત, તો સિંહો વાહનોની અડફેટે આવી શક્યા હોત અથવા કોઈ બાઈક ચાલક પર હુમલો થવાની પૂરેપૂરી શક્યતા હતી. ત્રણ સિંહો દિવાલ કૂદી ગયા અને બાકીના ત્રણ લોખંડની જાળીમાંથી પસાર થઈ ગયા, જે દર્શાવે છે કે સિંહો પણ આ અચાનક આવી પડેલા વાહનોથી ગભરાયા હતા.

આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર ગિરનાર અભયારણ્યની એકદમ નજીક હોવા છતાં અને વન વિભાગની મુખ્ય ઓફિસ ત્યાં જ હોવા છતાં, તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીના મુખ્ય માર્ગ પર વન્ય પ્રાણીઓની અવરજવર બાબતે સાવચેતી રાખવા માટે માત્ર એક જ લાઈટિંગ બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ રેડિયમ બોર્ડ, ચેતવણીના નિશાન કે જેવી કોઈ વ્યવસ્થા નથી. શું વન વિભાગ કોઈ મોટી જાનહાનિ અથવા સિંહના મૃત્યુની રાહ જાેઈ રહ્યું છે?

વર્ષ ૨૦૨૫ની સિંહ વસતી ગણતરી મુજબ ગિરનારના જંગલ વિસ્તારમાં ૫૪થી વધુ સિંહો વસવાટ કરે છે. આ ઉપરાંત હરણ, સાબર, રોઝ અને વાંદરા જેવા પ્રાણીઓ પણ અહીં વસવાટ કરે છે. જ્યારે વન્યજીવોની સંખ્યા વધી રહી હોય, ત્યારે તેમની સુરક્ષા માટેના પગલાં પણ એ જ ગતિએ વધવા જાેઈએ. વારંવાર મીડિયા અહેવાલો અને સ્થાનિકોની રજૂઆતો છતાં વન વિભાગ નક્કર કામગીરી કરવામાં ઉણું ઉતર્યું છે. ઈકો-ઝોનના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું સ્પષ્ટ જણાય છે.

જાે આ વાઇરલ વીડિયોવાળી ઘટનામાં કોઈ અણબનાવ બન્યો હોત, તો તેની જવાબદારી કોની હોત? વન વિભાગ હંમેશા વન્યજીવ સંરક્ષણની મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે જંગલની હદ પૂરી થાય અને રસ્તો શરૂ થાય ત્યાં તેમની કોઈ તકેદારી જાેવા મળતી નથી. વાહનચાલકોની સુરક્ષા અને ગિરનારના ગૌરવ સમાન એશિયાટિક લાયન્સની સલામતી બંને હાલ જાેખમમાં છે.