Gujarat

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો ઇ-મેલ

રાજકોટ શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ સહિત રાજ્‍યની છ કોર્ટને વધુ એક વખત ઇ-મેલ મારફત બોમ્‍બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ તેમજ SOG, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પહોંચી કોર્ટ પરિસરને ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એક ડ્રોન મળી આવ્યું હતું જે મહેસાણાના એક વકીલ સાથે લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમે ચેક કરતા કોઈ સ્ફોટક વસ્તુ જણાઈ આવી ન હતી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વારંવાર મળતી ધમકીઓ અંગે સરકાર ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરે તેવી માગ વકીલો દ્વારા કરવામાં આવી છે.

1.55 વાગ્યા સુધીમાં કોર્ટને ખાલી કરી દેજો રાજકોટ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસ કમિશનરના આદેશથી SOG, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ અને સ્‍થાનીક પોલીસ સ્‍ટેશનની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાજકોટ કોર્ટના ડિસ્‍ટ્રીક્‍ટ જજને ઇ-મેલથી ધમકી મળી હતી કે બપોરે 1.55 વાગ્યા સુધીમાં કોર્ટમાં ધડાકા થાય એ પહેલા ખાલી કરી નાખજો RDXથી કોર્ટને ઉડાવી દેવામાં આવશે. આ પછી તાત્કાલિક પોલીસ દ્વારા કોર્ટ પરિસરને ખાલી કરી બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ SOG સહીત પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન રાજકોટ કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન SOG ટીમને એક ડ્રોન મળી આવ્યું હતું. જે ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે. ડ્રોન અંગે તપાસ બૉમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે કરવામાં આવી હતી. જોકે તેમાં કોઈ સ્ફોટક વસ્તુ ઇન્સ્ટોલ ન હોવાનું સામે આવતા પોલીસે વકીલની ડ્રોન બાબતે પુછપરછ હાથ ધરી હતી.