ભાવનગરના દીપકચોક નજીક આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં વહેલી સવારે પોલીસ દ્વારા વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને 25 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા. પોલીસે 7 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે કેટલાક શખ્સો ફરાર થતાં તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધર્યું ભાવનગર એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના દીપકચોક નજીક આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં આજે વહેલી સવારે શહેરના વિવિધ પોલીસ મથકના પી.આઈ., પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક પોલીસ સહિતના મોટા પોલીસ કાફલાએ કોમ્બિંગ હાથ ધરી દેશી દારૂના હાટડાઓ અને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો તેમજ તૈયાર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને કુલ 25 પ્રોહિબિશનના કેસ નોંધ્યા હતા. રેડ દરમિયાન સ્થળ પરથી પોલીસે 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 થી 5 શખ્સો ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે અચાનક પોલીસના ધાડેધાડા ઉતરતા વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

