Gujarat

સુરેન્દ્રનગર: ભૂમાફિયા-બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ પીજીવીસીએલની ટીમ સાથે રાખી ભૂમાફિયાઓ અને બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. આ કોમ્બિંગ ડ્રાઇવમાં 50થી વધુ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેમની સાથે 250થી વધુ પોલીસકર્મીઓનો કાફલો પણ હતો. આ ટીમે ભૂમાફિયાઓના ઘરો પર દરોડા પાડી વીજ ચોરી અંગે તપાસ કરી હતી.

પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના નેતૃત્વ હેઠળ, એએસપી, ડીવાયએસપી, લીંબડી અને ચોટીલાના ડીવાયએસપી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી અને એસઓજી ટીમો પણ આ કામગીરીમાં સામેલ હતી. અનેક સ્થળોએથી મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચોરી ઉપરાંત, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેટલાક વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. શહેરમાં નાગરિકોને પરેશાન કરતા બદમાશ અને લુખ્ખા તત્વો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.