Gujarat

ગાંધીનગર મનપાનો ટીપી સ્કીમ-૨૦ માટે ર્નિણય કોબામાં રિવરફ્રન્ટ ફેઝ-૩ માટે EWS આવાસ અને અર્બન ફોરેસ્ટના પ્લોટ હવે એમ્યુઝમેન્ટ માટે વપરાશે

અમદાવાદ બાદ ફેઝ-૩ અંતગર્ત હવે ગાંધીનગરમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને કોબા સુધી લંબાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ ટીપી સ્કીમ-૨૦માં જરૂરી સુધારા વધારા કરવાની દરખાસ્તને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. જાેકે આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત રાખવામાં આવેલા આવાસના પ્લોટ અને કુદરતી ફેફસા સમાન અર્બન ફોરેસ્ટના હેતુ બદલીને ત્યાં હવે ફૂડ પ્લાઝા અને મનોરંજન પાર્ક બનાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવતા આ ર્નિણય ગરીબો અને પર્યાવરણ માટે વિવાદનું કેન્દ્ર બને તો નવાઈ નહીં.

EWS આવાસ અને અર્બન ફોરેસ્ટની જગ્યામાં હરવા-ફરવાના સ્થળો બનશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીએ ટીપી સ્કીમ-૨૦માં જરૂરી સુધારા-વધારા કરવાની દરખાસ્તને ફેઝ ૩ હેઠળ રિવરફન્ટને કોબા સુધી લંબાવવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નવા આયોજન હેઠળ રિવરફ્રન્ટના માર્ગોના એલાઈનમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ૧૮ મીટરના રસ્તાને બદલે હવે ૧૨ મીટરના રસ્તાનું આયોજન કરી સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ઈઉજી આવાસ અને અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવામાં આવેલા પ્લોટના હેતુફેર કરીને ત્યાં લોકો માટે મનોરંજન અને હરવા-ફરવાના સ્થળો વિકસાવવામાં આવશે.

યોગ્ય માપણી વિના જ મંજૂરી આપી દીધી

મહાનગરપાલિકા દ્વારા રસ્તાના એલાઈનમેન્ટમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે વર્ષોથી રહેતા લોકોના માથે વિસ્થાપનની તલવાર લટકી રહી છે. ૧૮ મીટરના રસ્તાને બદલે ૧૨ મીટરના રસ્તાનું આયોજન કરીને સાંકડી ગલીઓ ઊભી કરવાનો પ્રયાસ ટ્રાફિકની સમસ્યામાં વધારો કરશે તેવી ભીતિ છે. વળી ટીપી સ્કીમ-૨૦ની હદમાં વિસંગતતા હોવાનું ખુદ તંત્ર સ્વીકારી રહ્યું છે છતાં યોગ્ય માપણી વિના જ ઉતાવળે મંજૂરીઓ આપી દેવામાં આવી છે.

સરકારી જમીનો પર ખાનગી સુવિધાઓ ઉભી કરવાની પેરવી

પાટનગરમાં વિકાસના આ મોડેલમાં સામાન્ય માણસની જરૂરિયાતોને બદલે માત્ર શોબાજી અને વ્યાપારીકરણને જ મહત્વ અપાઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. ઓપન સ્પેસ વધારવાના દાવા હેઠળ વાસ્તવમાં સરકારી જમીનો પર ખાનગી સુવિધાઓ ઉભી કરવાની પેરવી શરૂ થઇ છે. સાબરમતી નદીના કુદરતી પ્રવાહ અને તેની આસપાસના ઈકોસિસ્ટમને સાયકલ ટ્રેક અને સિમેન્ટ કોંક્રીટના ગગનચુંબી જંગલોના બાંધકામથી જે નુકસાન થશે તેની ભરપાઈ ભવિષ્યમાં અશક્ય બની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે.