શહેરના જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી ૨૮.૪૭ કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા કંપનીના સીઇઓ ડો.સંતોષ ગઢવીને ડીસીબી પોલીસની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા છે.
વોર્ડ વિઝાર્ર્ડ મેડિકેર પ્રા.લિ.એન્ડ હેલ્થ કેર ના ફાઇનાન્સ હેડ મોહસીનખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,અમારી કંપનીની વડોદરાના જેતલપુર રોડ ઉપરાંત નડિયાદ,દહેજ,અને ભરૃચ ખાતે હોસ્પિટલો આવેલી છે.
આ કંપનીએ ડો.સંતોષકુમાર હરિભાઇ ગઢવી(રહે.નવજીવનમલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ,કિંખલોડ બસસ્ટેન્ડ પાસે,બોરસદ મૂળ રહે.ચતુરપાર્ક સોસાયટી-૪, કોરેગાંવ પાર્ક,પૂણે અને હાલ રહે. સંસ્કાર એપાર્ટમેન્ટ,એસ.જી. હાઇવે, અમદાવાદ)ને સીઇઓ તરીકે ખરીદી અને અન્ય વહીવટી બાબતોના અધિકાર આપ્યા હતા. તેમણે તા.૧-૪-૨૦૨૨થી ૩૧-૦૧-૨૦૨૫ દરમિયાન મેડિકલ સાધનોની ખરીદીમાં ગેરરીતિ આચરી હોવાની વિગતો ઓડિટ દરમિયાન ધ્યાને આવી હતી.તેમણે કેટલીક કંપનીના બોગસ બિલો અને બોગસ એકાઉન્ટ બનાવી રકમો ટ્રાન્સફર કર્યાની પણ વિગતો બહાર આવી છે.તેમણે કંપનીને જીએસટી સહિત કુલ રૂ.૨૮.૪૭ કરોડનું નુકસાન કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
ગુનો દાખલ થયા પછી આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી. દરમિયાન ડીસીબી પી.આઇ. આર.જી. જાડેજાની ટીમને માહિતી મળી હતી કે, આરોપી અમદાવાદ એસ.જી. હાઇવે પાસે મકાન ભાડે રાખીને રહે છે. જેથી,પોલીસે અમદાવાદ જઇ આરોપીને ઝડપી પાડયો છે.

