ઉનાળુ વેકેશનમાં વિવિધ વિસ્તારોમાં જતી ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ જાેવા મળતી હોય છે જેને ધ્યાનમાં લઇને મુસાફરોને વધુ સુવિધા મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા વેકેશન સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ભાવનગર- હરિદ્વાર ટ્રેનને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનમાં પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે જેથી વેકેશનમાં હરિદ્વાર કે દિલ્હી તરફ જતા મુસાફરોને વધુ એક ટ્રેનની સુવિધા મળશે. આ ટ્રેન ૧૨મી એપ્રિલથી ૩૧મી મે સુધી દર રવિવારે ભાવનગરથી ઉપડશે જે ગાંધીનગર થઇને હરીદ્વાર પહોંચશે. રીટર્નમાં આ વેકેશન સ્પેશિયલ ટ્રેન દર સોમવારે હરિદ્વાર આવશે.
આ ટ્રેન વહેલી સવારે ૪.૨૫ વાગ્યે ભાવનગરથી ઉપડશે જે સવારે ૧૦.૦૫ વાગ્યે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પહોંચશે અને માત્ર ૫ મિનિટના સ્ટોપેજ બાદ સવારે ૧૦.૧૦ મિનિટે ઉપડશે જે બીજા દિવસે સોમવારે બપોરે ૩ વાગ્યે હરીદ્વાર પહોંચશે. રીટર્નમાં દર સોમવારે બપોરે ૪.૨૫ કલાકે હરીદ્વારથી ઉપડશે અને મંગળવારે રાત્રે ૮.૩૫ કલાકે ગાંધીનગર પહોંચશે.ઉલ્લેખનીય છે કે એપ્રિલ- મે મહિનામાં વેકેશનના કારણે લાંબા અંતરની તમામ ટ્રેનોના બૂકીંગ ફુલ થઇ ગયા છે જેને કારણે લોકોને બૂકીંગ મળતું નથી ત્યારે રેલવે તંત્ર દ્વારા આ વેકેશન સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેનો લાભ ગાંધીનગરને પણ મળશે.

