જામનગર શહેરના માનસી હોટલ પાછળ આવેલી ‘ખોડીયાર પ્લાસ્ટિક’ નામની ફેક્ટરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર આરોપીઓને કુલ ₹૩,૦૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુના અંગે બી.એન.એસ. કલમ-૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઈ પાઘરેટીયા, હરદેવસિંહ ઝાલા અને કમલેશભાઈ ખીમાણીયાને બાતમી મળી હતી કે ધુંવાવ ગામ પાસે નદીના કાંઠે બાવળની ઝાડીમાં કેટલાક ઈસમો ચોરીનો ભંગાર રિક્ષામાં ભરીને હેરાફેરી કરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી ચારેય આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ધીરુભાઈ બાઘુભાઈ સોલંકી, આઈધનભાઈ બચુભાઈ વાઘેલા, પ્રેમજીભાઈ રાયધનભાઈ વાઘેલા અને પ્રવીણ ઉર્ફે કરીમ ગોવિંદભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ તમામ જામનગરના ગુલાબનગર ઓવરબ્રિજ નીચે, રેલવે પાટા પાસે રહે છે.
પોલીસે આરોપીઓ પાસેથી 60 કિલો પીતળનો ભંગાર (કિંમત ₹૫૦,૦૦૦), ૨૦ કિલો કોપરનો ભંગાર (કિંમત ₹14000), એક કોમ્પ્યુટર સી.પી.યુ. અને પ્રિન્ટર (કિંમત ₹20,000) જપ્ત કર્યા છે. આ ઉપરાંત, એક સીએનજી રિક્ષા અને ત્રણ મોટરસાયકલ (યમાહા ફેઝર, હીરો સ્પ્લેન્ડર – 2) સહિત કુલ ₹2,10,000 ના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. અન્ય સામાનની કિંમત ₹૩,૩૦૦ આંકવામાં આવી છે.

