Gujarat

ખેડૂતે એકાદશીએ વેચાણ શરૂ કર્યું, પ્રથમ દિવસે ₹2000 ભાવ મળ્યો

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં તોતાપુરી કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા આ વિસ્તારના ખેડૂત ભરતસિંહ સોલંકીએ એકાદશીના શુભ દિવસે કેરીના વેચાણનું મુહૂર્ત કર્યું હતું. પ્રથમ દિવસે તેમને 3 મણ કેરીના ₹2000 પ્રતિ મણનો ભાવ મળ્યો હતો.

વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણ પ્રદેશમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ફળોના રાજા કેરીની સિઝન પણ નજીક આવી રહી છે. હાલમાં આંબાવાડીઓમાં તોતાપુરી કેરીનો ફાલ ઉતરવાની શરૂઆત થઈ છે, જેના પગલે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કર્યું છે.

ખેડૂત ભરતસિંહ સોલંકીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે જો આગામી દિવસોમાં વાતાવરણ સાનુકૂળ રહેશે, તો કેરીનો સારો પાક મળશે અને ખેડૂતોને પણ સારો ભાવ મળી રહેશે. આગામી સમયમાં તોતાપુરી કેરી બજારમાં ધૂમ મચાવશે તેવી અપેક્ષા છે.