તાલાલાના રમરેચી ગીર ગામે નવા પ્લોટ વિસ્તારમાં દલિત સમાજના યુવા અગ્રણી અને જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરત સોંદરવાનો મૃતદેહ તેમના માસીના ઘર પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક ભરત સોંદરવા તાલાલા અને માળિયા તાલુકા વિસ્તારમાં દલિત સમાજના યુવા અગ્રણી તરીકે સક્રિય હતા. તેઓ માળિયા તાલુકાની જૂથળ ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા અને રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ RTI એક્ટિવિસ્ટ તરીકે પણ કામ કરતા હતા અને ગોંડલ તેમજ મેંદરડામાં દલિત સમાજને લગતી બાબતોમાં અગ્રેસર રહ્યા હતા.
ભરત સોંદરવાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળતા તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહના માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. જે સ્થળેથી મૃતદેહ મળ્યો છે, તેની નજીક એક બલેનો કાર પણ મળી આવી છે, જોકે આ કાર કોની છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

