Gujarat

નરોડામાં અગરબત્તીના કારખાનામાં વિકરાળ આગ

અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં મોડીરાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આગ એટલી વિકરાળ હતી કે, થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઊઠ્યું હતુ અને આસપાસના રહેવાસીઓમાં પણ ભય ફેલાયો હતો. 6 ફેબ્રુઆરીની વહેલી સવાર સુધી કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં આગે આખું કારખાનું ઝપેટમાં લઈ લીધુ મળતી માહિતી મુજબ, નરોડા મુક્તિધામ પાસે અમરનાથ એસ્ટેટ આવેલું છે, જેમાં રાત્રે 11:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની નવ જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી.

ફાયરના જવાનો ત્યાં પહોંચ્યા ત્યારે આગ ખૂબ જ વીકરાળ બની ગઈ હતી. અગરબત્તીનું કારખાનું હોવાના કારણે ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. આગ દૂરથી જોઈ શકાય એટલી વિકરાળ હોવાને લઈ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી હતી.