Gujarat

સુરતના મોટા બોરસરા GIDCમાં ભીષણ આગ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા GIDC વિસ્તારમાં આવેલી સ્વસ્તિક ફિલામેન્ટ નામની યાર્ન ડાઇંગ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કંપનીમાં રહેલો કિંમતી રૂપિયાનો યાર્નનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, યાર્ન ડાઇંગનું કામ કરતી આ કંપનીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. યાર્નનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી.

આગની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સુમિલોન, કામરેજ અને PPL કડોદરાની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી રાત્રે ૧ વાગ્યે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, અંદર રહેલો જથ્થો ધગધગતો હોવાથી વહેલી સવારે ૫ વાગ્યા સુધી કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.

આ આગમાં કંપનીના માલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેમાં કાચો માલ, તૈયાર યાર્ન અને મોંઘી મશીનરીનો સમાવેશ થાય છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.