સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે(28 જાન્યુઆરી) સવારે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટની સામે આવેલા ફ્રુટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગને એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટથી આગે વિકરાળ રૂપ લીધું સરદાર માર્કેટની સામે ફ્રુટ માર્કેટની નજીક બે દુકાનોને જોડીને મોટું એક ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં ફ્રુટ પેક કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો. આજે વહેલી સવારે આ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો આગની જાણ થતા જ સ્થાનિક વેપારીઓ અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની કુલ 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

