Gujarat

મિત્રની મદદ કરવા આવેલા મિત્ર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

ગાંધીનગરમાં વ્યસ્ત ગણાતા ગ-૨ સર્કલ પાસે જાહેરમાં ૩ રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના પાછળ અંગત અદાવત અને ખાસ કરીને નાણાકીય લેતીદેતી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને પેટના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે ૨૩ માર્ચે રાતે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક સનસનીખેજ ઘટના ઘટી હતી. જેમાં સેક્ટર-૫માં મકાન વેચાણના નાણાં પરત મેળવવા બાબતે થયેલી તકરારમાં ત્રણ શખ્સોએ એક જમીન દલાલનું સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કર્યું હતું. આ દરમિયાન દલાલની મદદે આવેલા તેમના મિત્ર પર પિસ્તોલથી ત્રણ રાઉન્ડ જીવલેણ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું છે.

ગાંધીનગરના સેક્ટર ૨૭ ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા અને ગ ૨ સર્કલ નજીક પ્રમુખ પ્રેરણા ફ્લેટમાં સર્વોદય રિયલ એસ્ટેટ નામે જમીન દલાલીનું કામ કરતા ૬૦ વર્ષીય અતુલભાઈ ફકીરચંદ દરજી પાસેથી બે વર્ષ પહેલા સેક્ટર-૩ડીમાં આવેલું એક મકાન જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ રાઠોડે (રહે.ઉનાવા) ૨૦ લાખ રૂપિયા રોકડા આપી ખરીદ્યું હતું. જાેકે મકાન વિવાદિત હોવાનું જણાતા જીતુએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. ત્યારે ગઈકાલ જીતુ અને તેના સાથી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ ફોન પર અતુલભાઈને ૨૦ લાખના બદલે ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી. બાદમાં જીતુ રાઠોડ , મહેન્દ્રસિંહ અને મિતેશ આત્મારામ દેસાઈ (રહે. વાવોલ) અલગ અલગ ત્રણ સ્કોર્પિયો ગાડીમાં અતુલભાઈની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ વિવાદના સમાધાન ચર્ચા માટે અતુલભાઈની ઓફિસની સામે આવેલા હનુમાન મંદિર પાસે બેઠક કરી હતી. જેની જાણ અતુલભાઈએ કરતાં તેમના મિત્ર પ્રદીપસિંહ જાડેજા રાહુલ ભરવાડ સાથે ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતાં. ત્યારે પ્રદિપસિંહ ગાડીમાંથી બહાર નીકળતા જ મિતેષ દેસાઈએ પોતાની પાસે રહેલી પિસ્તોલથી તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી પ્રદિપસિંહના પેટના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ જાેઈ રાહુલ ભરવાડ નાસી ગયો હતો. આ હુમલા બાદ ત્રણેય આરોપીઓએ અતુલભાઈને છરી બતાવી જબરદસ્તી સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરી લીધું હતું. આ દરમિયાન આરોપીઓએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને કાનના ભાગે મુક્કો મારી ઈજા પહોંચાડી હતી. જ્યાં બંને પક્ષો વચ્ચે સામસામે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાટમાં આવીને પત્રકાર પક્ષ તરફથી પિસ્તોલ જેવા હથિયાર વડે ૩ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક ગોળી સામે પક્ષની વ્યક્તિના પેટમાં વાગી હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા , ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુના વાળી જગ્યાને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે પાટનગરના જાહેર માર્ગ પર દિવસે-દહાડે થયેલા આ ગોળીબારથી સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે સેકટર ૭ પીઆઇ બી બી ગોયલે કહ્યું કે, કોઈ પત્રકારને પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ થયું છે. પત્રકાર સાથે ઉનાવાનો એક રબારી શખસ પણ હતો. પત્રકાર પક્ષ તરફથી ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે.જેમાં એક યુવકને ગોળી વાગી છે. જેની વધુ તપાસ ચાલી રહી છે. ઉનાવા ગામનો જીતુ રાઠોડ નામનો પત્રકાર હિતેશ રબારીને લઈને ગાંધીનગર આવ્યો હતો. જેને પ્રદીપ જાડેજા નામની વ્યક્તિ પાસે કોઈ પ્લોટની ૨૦ લાખની ઉઘરાણી નીકળતી હતી. જેની માથાકૂટમાં હિતેશ રબારીએ ફાયરિંગ કર્યું હતું. આરોપીઓએ ધમકી આપી હતી કે જાે પૈસા નહીં આપે તો તેમને મારીને કેનાલમાં ફેંકી દેશે. ત્યારબાદ તેમને પ્રમુખ પાર્ટી પ્લોટ સામે ઉતારી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને હથિયાર સાથે રાઉન્ડઅપ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.