દેવભૂમિ દ્વારકા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે દાતા ગામ નજીક વાડીમાં દરોડો પાડી અનઅધિકૃત ડિઝલનો સંગ્રહ કરી વાહનોને ઓછા ભાવે વેંચી મારવાના કારસ્તાનનો પર્દાફાશ કરી પાંચ શખસોને પકડી પાડી 1700 લીટર ડીઝલ ઉપરાંત ચાર ટેન્કર સહિત રૂા. 81.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ તપાસમાં ટેન્કરમાંથી ડીઝલ કાઢી વેચાણનુ તરકટ હોવાનુ ખુલ્યુ હતુ.આ કૌંભાડમાં સંડોવાયેલા મનાતા જામનગરના ટેન્કર માલિકને પોલીસે પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
દેવભૂમિ પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ વી.એ. રાણાના નેતૃત્વમાં પીએસઆ ડી.એ. વાળા સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ અને પબુભાઇ માયાણી સહિતની ટીમને દાતા ગામની ગોલાઇ પાસે એક ફાર્મ હાઉસ નજીક શખસ પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો રાખીને હાઇવે પર પસાર થતા વાહનોને ઓછા ભાવે ડીઝલનુ વેચાણ કરવામાં આવતુ હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસ ટુકડી ત્વરીત ધસી જતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા પ્લાસ્ટીકના કેરબા સાથે મળી આવતા પોલીસે તેની પુછપરછ કરી હતી.જેમાં જુદી જુદી કંપનીમાં ચાલતા ટેન્કર-ટ્રકમાંથી ડીઝલની ખરીદી કરનારી કંપનીઓ-પંપ સાથે છેતરપિંડી કરી પુરતો જથ્થો નહી પહોચાડી ચોરી ડિઝલનો જથ્થો મેળવાયો હોવાનુ ખુલ્યુ હતુ.ઉપરાંત વાડીમાં વધુ જથ્થો હોવાનુ પણ સામે આવ્યુ હતુ.
આથી પોલીસે વાડીમાં દરોડો પાડતા 200-200 લીટર ડિઝલ ભરેલા આઠ અને 20-20 લીટર ડિઝલ ભરેલા પાંચ કેરબા સહિત રૂા.1.53 લાખની કિંમતનુ 1700 લીટર ડિઝલ ઉપરાંત જુદા જુદા ચાર ટેન્કર સહિત રૂા. 81.53 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા, હરદેવસિંહ વિક્રમસિંહ ચુડાસમા, વિજયસિંહ જશુભા ચુડાસમા, રાજદિપસિંહ ભીખુભા ચુડાસમા અને ધર્મરાજસિંહ જીતુભા જાડેજાની પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી હતી. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા ટેન્કર માલિક ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા (રે. જામનગર) વાળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

