કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે તેરસાપરા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચને ઝડપ્યા હતા. ૪૯ હજારથી વધુની રોકડ, ત્રણ મોબાઈલ, વાહન મળીને કુલ રૂ.૮૪ હજાર ૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે.ગઢવીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, તેરસાપરાની સીમમાં ખોડિયાર માતાના મંદિર પાસે ખરાબામાં કેટલાક શખ્સો એકઠા થઈને હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના પગલે પોલીસે ખરાબાની જગ્યાને ચારે દિશાથી કોર્ડન કરીને દરોડો પાડતા જુગારીઓ પત્તા રમતા પકડાઈ ગયા હતા. જેમને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે પૂછતાછ કરતા તેમણે પોતાના નામ મગનજી ઠાકોર, મહેશજી ઠાકોર, ભરતજી ઉર્ફે ટીનો ઠાકોર, મેલાજી ઠાકોર અને પ્રવિણજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે જુગારીઓની ધરપકડ કરી કુલ ૪૯,૩૫૦ રોકડા , ૧૫ હજારની કિંમતના ત્રણ મોબાઈલ તેમજ ૨૦ હજારનું એક્ટિવા મળીને કુલ રૂ.૮૪,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે કલોલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

